Saturday 26 January 2013

વિચાર ક્રાંતિ ...


64 માં પ્રજાસત્તાક દિવસે ભારતે વિચારવા જેવી ગંભીર બાબતો ...

1.   આવી  લોકશાહી અને રાષ્ટ્ર ના ભોગે ચાલતી સ્વાર્થી રાજનીતિ ચાલુ રહેશે તો ભારત મહાસત્તા બની શકશે ખરું?
2.   ભારત ખંડ ખંડ માં વિભાજીત થઇ શકે તેમ દેખાઈ રહ્યું છે ત્યારે અખંડ ભારત નું સ્વપ્ન પૂર્ણ થઇ શકશે ખરું ?
3.   ભારત આર્થિક, સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક રીતે વિશ્વની હરોળ માં અગ્ર સ્થાન લેશે ખરું
મિત્રો, 64 માં પ્રજાસત્તાક દિવસ ની પૂર્વ સંધ્યાએ હું લેખ લખવા જઈ રહ્યો છું ત્યારે આપ સૌને કહેવાતા આઝાદ ભારત ના નાગરિકોને Happy Republic Day...

આપણે સૌ વર્ષ ના અંતે હિસાબ-કિતાબ અને નફા-નુકશાન નું  સરવૈયું કાઢતા હોઈએ ત્યારે 65 વર્ષની આઝાદીના અંતે આપણે સૌએ ઉપરોક્ત ત્રણે મુદ્દા ઉપર તટસ્થતા થી અને એક જાગૃત નાગરિક તરીકે વિચારવું પડશે કે આપણે શું છીએ અને ક્યાં છીએ ...

1947 માં આપણે આઝાદ થયા ત્યારે 35 કરોડ ભારતીયો માંથી આજે 125 કરોડ ની રેકોર્ડ તોડ વૃદ્ધિ સાથે આપણે વિશ્વની બીજા નંબરની વસ્તી ધરાવતા દેશ હોવા છતાં અને વિશાળ લશ્કરી તાકાત ધરાવતા હોવા છતાં આઝાદી પછી આપણે પ્રદેશો ગુમાવ્યા સિવાય કાંઈ કર્યું છે ખરું ? (આઝાદ કાશ્મીર, અકસાઇ ચીન, અરુણાચલ પ્રદેશ નો અમુક ભાગ) તિબેટ અને નેપાળ ને પણ આપણા દુશ્મન દેશો થી આપણે નથી બચાવી શક્યા.   

ભારત નો પાડોશી દેશ જેની પોતાની કોઈ ઔકાત નથી તે ભારત ની સામે  આંતરે દિવસે આતંકવાદ ના નામે રીતસર પ્રોક્સી વોર ચલાવી રહ્યું છે અને આજદિન સુધી અનેક નિર્દોષ નાગરિકોને મોતને હવાલે કર્યા છે અને વિશ્વની સામે ભારત ની સજ્જનતાને ડરપોકતા તરીકે રજુ કરી રહ્યું છે, છતાં પણ આપણે દુષણને ડામી શક્યા નથી.

કાશ્મીર ના 2 લાખ પંડિતો બેઘર થઈને હજુ પણ નિરાશ્રિત તરીકે ન્યાય ઝંખી રહ્યા છે અને બાંગ્લાદેશી 5 કરોડ મુસ્લિમ ઘુસણખોરો સ્વાર્થી અને મુલ્યહીન રાજનીતિ ના કારણે ભારતીય નાગરીકો બની પૂર્વોત્તર પટ્ટી (સેવન સિસ્ટર્સ ઓફ ઇન્ડિયા) આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા તથા પશ્ચિમ બંગાળ વગેરે માં દેશની સળગતી સમસ્યા બની આતંક મચાવી રહ્યા છે.       

દેશના 226 જીલ્લાઓ થી પણ વધુ જગ્યાએ  નકસલવાદનું ચલણ છે અને રીતસર સરકાર ની સમાંતર પોતાની સરકાર ચલાવી રહ્યા છે.  ત્યાંના કલેકટર કે પોલીસ અધિકારીઓએ પણ તેમની પરવાનગી થી કામ કરવું પડે છે .       

વિશ્વની સૌથી સારી ભૌગોલિક સમૃદ્ધિ (પહાડો, જંગલો, ખનીજો, જમીન, સમુદ્ર, નદીઓ, રણપ્રદેશ, વગેરે) ધરાવતા હોવા છતાં આપણે ત્યાં 40% થી વધારે લોકો ગરીબી રેખા નીચે જીવે છે અને આપણે હજુ લોકોને ભારતીય નાગરિક તરીકે તેમના મૂળભૂત હક્કો સારો ખોરાક, આવાસ, આરોગ્ય, શિક્ષણ, સમાનતા અને સુરક્ષા પૂરી પાડી શક્યા નથી અને રાજકીય રોટલા  શેકવા અનામત, સબસીડી, સરકારી સહાય ના નામે ટુકડાઓ ફેંકી પાંગળી અને આશ્રિત પ્રજા રાખવાના દુષ્કર્મો થી વિશેષ કંઈ કરી શક્યા નથી .    

ભારતનું યુવાધન બૌદ્ધિક ક્ષેત્રે વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે, તેનો ઉપયોગ કરવાને બદલે ભારતનું "બ્રેઈન ડ્રેઈન" થઇ રહ્યું છે. વિશ્વમાં જયારે તેમનું અવકાશ, આર્થિક, રમત-ગમત, રાજકીય, શિક્ષણ, વિજ્ઞાન કે અન્ય ક્ષેત્રો માં બહુમાન થાય ત્યારે તેઓ આપણા ભારતીય હોવાનું મિથ્યાભિમાન લીધા સિવાય કશું કરી શક્યા નથી અને અહીં ભારતના યુવાધનને તટસ્થ રીતે વિજ્ઞાન, શિક્ષણ, રમત-ગમત કે અન્ય ક્ષેત્રો માં પ્રોત્સાહન પૂરું પાડી શક્યા નથી.          

હમણા દેશની રાજધાની દિલ્હીમાં દામિની ગેંગરેપ થી સમગ્ર દેશ અને દુનિયા ખળભળી ઉઠી તથા લાખો બલાત્કાર દેશમાં ડગલેને પગલે થઈ રહ્યા છે અને શક્તિ ને પૂજનારા અને નારી તું નારાયણી ની સુફિયાણી વાતો કરનારા આપણા દંભી સમાજ માં સ્ત્રી સન્માનની સરેઆમ ઈજજતો લુંટાઈ રહી છે ... 

કારગીલ વખતે કેપ્ટન કાલીયા અને સૈનિકો ના અંગો-ઉપાંગો સાથે ભયંકર ચેડા, સંસદ પર  હુમલો, કંદહાર કાંડ, મુંબઈ પરનો હુમલો અને હમણા કાશ્મીર માં LOC પર આપણા બે સૈનિકો ની ક્રુરતા પૂર્વક માથાં વાઢી હત્યાઓ અને એક સૈનિકનું માથું પણ લઇ જવું અને છતાં પણ રાજકીય ઇચ્છાશક્તિ ની નબળાઈઓ ના લીધે 125 કરોડ પ્રજા અને દેશના સાર્વભૌમત્વ ના ભયંકર અપમાનો આપણે નફ્ફટાઈ અને નાલેશી પૂર્વક કરાવી રહ્યા છીએ. છતાં પણ  દુનિયા સમક્ષ હાકોટા અને પાકોટા અને સૈનિકો ના મનોબળ તેમજ ભારતની પ્રજાના મનોબળ તોડવા સિવાય કશું કરી શક્યા નથી.       

લોકશાહીની વાતો અને દંભી ગૌરવ લેતા લોકતંત્ર માં આજદિન સુધી સાચી લોકશાહી ની સ્થાપના આપણે પ્રસ્થાપિત કરી શક્યા નથી અને દિન પ્રતિદિન નીત નવા પ્રાદેશિક પક્ષો ફૂટી નીકળે છે અને રાષ્ટ્રીય પક્ષોની હાલત અનેક કાણાં પડી ગયેલી હોડી જેવી થઇ રહી છે, જે   U.P.A. અને N.D.A. નામના થીગડા ચોડી દેશને તુષ્ટિકરણ ની નીતિઓ થી ગબડાવી રહ્યાં છે અને ભ્રષ્ટાચાર ના કૌભાંડો ની નિત નવી હરીફાઈઓ બેશરમ બની કરી રહ્યા છે

અને છેલ્લે બધાનું મૂળ આપણે સુજ્ઞ નાગરીકો, સારું  શાસન, સુખ સમૃદ્ધિ અને સલામતી અને દુનિયા સમક્ષ દેશનું ગૌરવ વધારવા તથા મૂળભૂત હક્કો ભોગવવા ઈચ્છીએ છીએ. પરંતુ આપણી મૂળભૂત ફરજો ભૂલી આઝાદી વખતે બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચીલે કહેલા શબ્દો- "Power will go to rascals, rogues, freebooters... All leaders will be of low caliber & men of straw... They'll have sweet tongues & silly hearts... They will fight amongst themselves for power & the two countries will be lost in political squabbles... A day would come when even air & water will be taxed...(ભારત ની સત્તા અભણ, ગુંડા, મવાલીઓ, લુંટારુઓ જેવા રાજનેતાઓના હાથ માં હશે કે  જેઓ પ્રજાનું શોષણ કરશે,  રોટલાનું એક બટકું પણ કરવેરા વગર છોડશે નહિ અને સત્તા માટે અંદરો અંદર લડશે તથા હવા અને પાણી પર પણ વેરો નાખશે . )" તે શબ્દો ને અક્ષર: : સાચા પાડવામાં નિમિત બની રહ્યા છીએ  અને મીડિયા જાગૃત કરે કે ભયંકર અણબનાવો બને ત્યારે લાખો કરોડો ની સંખ્યાઓ માં પ્રદર્શનો કરી સંતોષ માની લઈએ છીએ અને નક્કર પરિણામો સુધી પહોંચી શકતા નથી અને વળી પાછા સમય જતા ભૂલી જઈ આપણે શું કરી શકીએ? એવું વિચારી રોજીંદી જીંદગી માં ખોવાઈ જઈએ છીએ.     

અને છેલ્લે આપણી હાલત માટે જવાબદાર નિમ્નલિખિત કારણો પર વિચારવું રહ્યું ...

1.   યુદ્ધ વિમુખ પ્રજા.
2.   ઘોર જાતિવાદ તરફ ઘસડાતું લોકતંત્ર / મૂલ્યહીન રાજનીતિ.
3.   વિજ્ઞાન પ્રત્યેની ધરાહર ઉદાસીનતા.
4.   વસ્તી વધારો.  
5.   અનેક રાષ્ટ્રીય નેતાઓ (તમામ પક્ષ) ની રાષ્ટ્ર સાથેની ગદ્દારીઓ.
6.   પ્રજાની ભૂલી જવાની ટેવ.
                                                                                             - નીલેશ રાજગોર 
                                                                                             25-01-2013