Thursday, 19 March 2015


ચકલી બચાવો અભિયાન

૨૦ માર્ચ વિશ્વ ચકલી દિન (World Sparrow Day)

आज चिड़िया हर शहर में आबोदाना ढूँढती है आशियाना ढूँढती है

વર્ષો પહેલા ગુરૂનાનકે કહેલું, “રામકી ચીડિયા, રામકા ખેત, ખાલો ચીડિયા ભર-ભર પેટ”

                    આજે પરીસ્થીતી બદલાઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે. વિશ્વભરમાં ૨૦૧૦ ની સાલથી “ચકલી બચાવ અભિયાન” શરૂ થયું છે. દર વર્ષે ૨૦ માર્ચે “World Sparrow Day” વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વ ના અંગ છે. તે અંગે જન-જાગૃતિ સ્વરૂપે ઉજવાય છે.

                        ઘોડિયામાં સુતેલા બાળકે જોયેલું-જાણેલું સૌપ્રથમ પંખી એટલે ચકલી. બાળક થોડું મોટું થાય એટલે “ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો-ચકીબેને રાંધી ખીચડી” ની વાર્તા સાંભળે. બાળક એથી મોટું થાય એટલે રમત રમતાં ગાય:

     ચકી ચોખા ખંડે છે, પિતાંબર પગલા માંડે છે, ચકી ગઈ ધોવા, ચકો બેઠો રોવા, રોઈ-રોઈ થાક્યો,
      ઈ ચકીનો કાકો, સોઈ ખપે ? કે સાંબેલું ?

 તો વળી નાની બાળકીઓ નૃત્ય સાથે ગાય:
   ચકીબેન (૨) મારી સાથે રમવાને આવશો કે નહિ ? ખાવાને દાણા પીવાને પાણી,                        બેસવાને પાટલો, સુવાને ખાટલો, આપીશ તમને હું....આપીશ તમને.
આ બાળકો મોટઉપાડે કોઈ ગજાઉપરાંતનું કોઈ કામ કે વાતો કરે તો વડીલો સંભળાવે, “ચકલી નાની ને ફૈડકો મોટો” કોઈનું ન માની, હારી-થાકી પસ્તાય ત્યારે સાંભળવું પડે કે ‘અબ પછતાયે ક્યાં હોત, જબ ચીડિયા ચુગ ગઈ ખેત’ વળી ધૂળમાં નહાતી ચકલી જોઈ- વડીલો વરસાદની આગાહી કરે (ચકલી પાણી સ્નાન ઉપરાંત ધૂળસ્નાન કરી પોતાના પીંછા-પાંખ હળવા સ્વચ્છ કરે છે.)

                 આવી આપણી ચકીબેન એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, યુરોપ તથા અમેરિકા એમ પૃથ્વીના મોટા ભાગમાં જ્યાં-જ્યાં માણસો વસ્યા છે ત્યાં વસે છે.

                   છેલ્લા થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થતા આ દિશામાં ચકલી બચાવવાના પ્રયત્નો શરૂ થયા છે. ફળિયું, ફળિયામાં ઝાડ, ઓટલો-ઓશરી-ઓરડા-ગોખલા-માળિયા-અભરાઈ-દેશી નળિયા-વંજીવરા વાળા દેશી બાંધણી વાળા ઘરોને સ્થાને બહુમાળી મકાનો બનતા ચકલીઓને રહેવા માટે જગ્યા નથી મળતી હવે માળા ક્યાં બનાવવા? આપણી આધુનિક જીવનશૈલીને લીધે ચકલીઓને ખોરાક-રહેઠાણ-રક્ષણ મળવું શહેરી વિસ્તારોમાં બહુ ઓછું થઇ ગયું છે.

                    ચકલીનો ખોરાક અનાજના દાણા – નાના જંતુ – કીડા – ઈયળ વગેરે છે. હવે ખેતીમાં જંતુનાશક દવાઓના બેફામ વપરાશથી નાના જંતુ – કીડા-ઈયળો પણ ઘટી ગયા છે. શહેરોમાં પ્રદુષણથી તાપમાન વધી ગયું છે. ધ્વની પ્રદુષણ પણ વધી ગયું છે. જે ચકલી સહન નથી કરી શકતી. વિવિધ કંપનીઓના મોબાઇલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીના પ્રજનન પર ઘાતક અસર પડે છે. ખોરાક અને માલની જગ્યાની શોધમાં તે શહેરોથી દુર નવા ઠેકાણા શોધે છે. જેમ કે ઓવરબ્રિજની તોતિંગ દીવાલોમાંના અનેક બાકોરાં ચકલી – કબરોની નવી વસાહતો બને છે.

પર્યાવરણ અને ઇકોસિસ્ટમના ભાગરૂપ આ પંખીડા માટે આપણે આટલું કરીએ..
૧. ચકલાઓને ઘરનું ઘર આપવા પૂંઠા – લાકડા – માટીના બનેલા પક્ષીઘર આપણા ઘરોમાં લગાવી શકાય.
   (વરસાદની સીધી માર કે બિલાડી ન પહોચે તે રીતે)
૨. કમ્પાઉન્ડ વોલપર પાણીનું કુંડુ રાખી શકાય – ટીંગાડી શકાય જેમાં ચકલા પાણી પીશે – સ્નાન પણ કરી શકશે.
૩. માટીના કે અન્ય પાત્રમાં અનાજના થોડા ઘણા દાણા –ચણ તરીકે રોજ નાખી શકાય.
૪. ઘર આગણે શક્ય હોય તો એકાદ વ્રુક્ષ લગાવી શકાય.

                      આટલું કર્યા પછી આપણે આગણે ચકીબેન તો આવશે જ પણ સનબર્ડ-ગ્રીનબીઈટર જેવી અન્ય પ્રજાતિ અને કોયલબેન, કુકડીયો કુંભાર જેવા અવનવા પક્ષી મીઠા ટહુકા – ગીતો ગાતા થશે. ખિસકોલીઓ પણ સાતતાળી રમવા આવતી થશે.

                     આશ્વાસન એ વાતનું લઇ શકાય કે આપણા ગુજરાતમાં આજે પણ ગામડે-ગામડે એકાદ ભગત પ્રભાતફેરી કરી મુઠી મુઠી ચણ ઉઘરાવી ચબૂતરે નાખે છે. હજુ નવા ચબુતરા બને છે. કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં બે-ત્રણ ચાસ માત્ર પંખીડા માટે ઉગાડે છે. લગભગ ઘરોઘર પાણી ના કુંડા મુકવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ઘણા શહેરોમાં “ચક્લીઘર” અને પાણીના કુંડાનું  નિ:શુલ્ક વિતરણ અને આ વિષયે જાગૃતિ જોવા મળે છે. જેના સારા પરિણામે ફરી પાછી ચકીબેન આપણે આગણે આવતી થઇ છે.

  છેલ્લે કવિ શ્રી ઉમાશંકર જોષી દ્વારા લિખિત આ પંક્તિ,
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશું છે, પંખી છે, ફૂલો છે, વનો ની છે વનસ્પતિ”
યાદ કરાવી આપ સૌ પ્રકૃતિ પ્રેમીઓ પણ યથાશક્તિ પર્યાવરણ નું જતન કરશો તેવી વિનંતી સહ.............
નિલેશ રાજગોર
પ્રમુખ
આર્યાવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ
૧૧૨-૧૧૪ હર્ષ પ્લાઝા કોમ્પ્લેક્ષ, ટેલીફોન એક્ષ્ચેન્જ રોડ, પાટણ(ઉ.ગુ.) ૩૮૪૨૬૫
Email : aryavratnirman@gmail.com Contact No : 9427482882
જીવીએ વર્ષ જેટલાં                                                      વ્રુક્ષનું જતન, વિશ્વનું જતન
            વાવીએ વ્રુક્ષ તેટલા...                                              વ્રુક્ષ એક લાભ અનેક.....